AAPમાં ફરી વિવાદ, હની પટેલનો એક્ઝિટ! અંગત કારણનું બહાનું, પરંતુ જૂના ગાંજા કેસની ચર્ચા ગરમ! રાજકારણમાં એન્ટ્રી જેટલી ઝડપી, એક્ઝિટ પણ એટલી જ શો સાથે!
સ્ટાઇલિશ મોડેલ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી હની પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હની પટેલે પોતાનું રાજીનામું AAP નેતા ઇસુદાન ગઢવીને મોકલ્યું છે. સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, પરિવારની જવાબદારીઓ વધી ગઈ હોવાથી હવે પાર્ટી માટે પૂરતો સમય આપી શકતી નથી, એટલે અંગત કારણોસર રાજીનામું આપી રહી છું.
પરંતુ રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, રાજીનામું માત્ર અંગત કારણો માટે નથી. હની પટેલ અગાઉ અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા થઈ હતી. AAPમાં જોડાયા બાદ પણ તેમના જૂના વિવાદોને લઈને પાર્ટી પર સોશિયલ મીડિયા પર સતત ટીકા થઈ રહી હતી.
સુરત AAP માટે મહત્વનું શહેર છે. આવા સમયે હની પટેલ જેવા વિવાદાસ્પદ ચહેરાના કારણે પાર્ટીની છબી પર અસર પડી હોવાની ચર્ચા છે. સતત વિવાદો અને ટીકાઓ વચ્ચે હવે હની પટેલનું AAPમાંથી રાજીનામું આવ્યું છે. હવે આગળ તેઓ કોઈ બીજા પક્ષમાં જોડાશે કે રાજકારણથી દૂર રહેશે, તે જોવાનું રહેશે.