છેલ્લા 4 દિવસમાં ઇન્ડિગોની 1200થી વધુ ફ્લાઇટ રદ થઈ. કંપનીએ કહ્યું કે નવા નિયમથી પાયલટ અને સ્ટાફ ઓછા પડી ગયા. હવે સરકારે ક્રૂના આરામના નિયમમાં છૂટ આપી છે.
દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની છેલ્લા 4 દિવસમાં 1200થી વધુ ફ્લાઇટ રદ થવાને કારણે કેન્દ્ર સરકારને પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ ક્રૂ માટેનો સાપ્તાહિક આરામનો કડક નિયમ હાલ માટે પાછો ખેંચી લીધો છે.
પેહલા નવા નિયમ પ્રમાણે પાયલટ અને ફ્લાઇટ ક્રૂને અઠવાડિયામાં 48 કલાકનો ફરજિયાત આરામ આપવો હતો. આ દરમિયાન કોઈ રજાને સાપ્તાહિક આરામ ગણવાની મનાઈ હતી. સાથે સતત નાઈટ શિફ્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઇન્ડિગોનું કહેવું હતું કે આ નિયમને કારણે પાયલટ્સ અને સ્ટાફની ભારે કમી સર્જાઈ અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી. કંપનીએ કહ્યું કે આ સમસ્યા સુધારવા માટે 7 દિવસનો સમય લાગશે.
હવે DGCA એ આ નિયમમાં ફેરફાર કરીને ક્રૂનો સાપ્તાહિક આરામ 48 કલાકના બદલે 36 કલાક કર્યો છે. આ નિર્ણય બાદ ઇન્ડિગોને મોટી રાહત મળી છે. પરંતુ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.