2013થી અત્યાર સુધી હત્યા, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 17થી વધુ ગુનાઓમાં સંડોવણી
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપનાર કુખ્યાત શિવા ટકલા ગેંગ વિરુદ્ધ સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં થયેલા ડબલ મર્ડર અને અપહરણના ગંભીર ગુનાઓ બાદ, પોલીસ દ્વારા ગેંગના લીડર શિવાકાંત ઉર્ફે શિવા ટકલા અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસે આ સંગઠિત ટોળકીના મૂળિયાં ઉખેડી નાખવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે શિવા ટકલા ગેંગ 2013થી અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 17થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી છે.
₹20 હજારની ખંડણી માટે ક્રૂર હુમલો
આ સમગ્ર કાર્યવાહીનો આધાર 3 ડિસેમ્બર 2025ના રોજ બનેલી એક ભયાનક ઘટના છે. માત્ર 20,000 રૂપિયાની ખંડણી માટે શિવા ટકલા અને તેના સાગરીતોએ નાઝીમ ઉર્ફે ભાંજા અને તેના સાથીઓ પર લોખંડના પાઈપ અને લાકડાના ફટકાંથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં સોયેબ નામના યુવાનનું સ્થળ પર જ મોત થયું, જ્યારે નાઝીમ અને ઇર્શાદનું અપહરણ કરી તેમને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યા. રસ્તામાં નાઝીમનું પણ કરુણ મોત નીપજતાં આરોપીઓ તેની લાશ હોસ્પિટલ નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા.
પોલીસનું સ્પષ્ટ સંદેશ
સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગઠિત ગુનાઓ અને ગેંગવૉર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને શહેરમાં કાયદો વ્યવસ્થા ભંગ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે.