પત્નીની હત્યા બાદ આજીવન કેદનો આરોપી પતિ પેરોલ પર છૂટીને 9 વર્ષથી ફરાર હતો. હરિયાણામાં પુત્ર સાથે બિસ્કિટ લેવા દુકાને જઈ રહ્યો હતો ત્યારે વેશ બદલી પોલીસે દબોચી લીધો!
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2007ના પત્નીની હત્યાના કેસમાં નવ વર્ષથી ફરાર આજીવન કેદના આરોપીને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો અને વર્ષો સુધી પોલીસથી બચતો રહ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સુરેન્દ્ર વર્માએ પરિવાર સાથે પણ સંબંધ તોડી નાંખ્યા હતા અને ઓળખ છુપાવીને હરિયાણાના ગુરુગ્રામમાં મજૂરી કરીને રહેતો હતો. એટલું જ નહીં, તેણે ત્યાં બીજા લગ્ન પણ કરી લીધા હતા.
સચિન પોલીસે ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામમાં સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરીને આઠ કલાક સુધી રેકી કરી હતી. અંતે, આરોપી પોતાના પુત્રને બિસ્કિટ લેવા દુકાને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો.
નવ વર્ષથી પોલીસને ચકમો આપતો આજીવન કેદનો આરોપી પતિ ઝડપાતા સચિન પોલીસને મોટી સફળતા મળી છે.