આણંદમાં મધરાતે એવો ભયાનક અકસ્માત થયો કે રસ્તા પર આગના ગોળા ફરી વળ્યા! કેમિકલ ભરેલી પિકઅપ અને ટ્રકની ટક્કરમાં બે જિંદગીઓ ખાખ થઈ ગઈ.
આણંદ જિલ્લાના આંકલાવ પાસે વાસદ-બગોદરા રોડ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો. ટ્રક અને કેમિકલ ભરેલી પિકઅપ ડાલુ વચ્ચે ટક્કર થતાં જ ભયંકર બ્લાસ્ટ થયો અને બંને વાહનોમાં આગ ફાટી નીકળી.
પિકઅપમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પિકઅપમાં સવાર એક મહિલા અને એક પુરુષ જીવતા સળગી ગયા. આગ એટલી તીવ્ર હતી કે બંને મૃતદેહોને ઓળખવું પણ મુશ્કેલ બની ગયું.
અકસ્માતની જાણ થતાં જ આંકલાવ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે આગના કારણે બંને વાહનો સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયા હતા.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. અકસ્માતના કારણે વાસદ-બગોદરા રોડ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી, જેને બાદમાં નિયંત્રણમાં લેવામાં આવ્યો.